આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં

વિક્રમની પંદરમી સદીમાં સંત કબીરે જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, બાહ્યાચાર અને ધાર્મિક મતાંતરોથી પર એવી સાધકની સત્યમય અનુભવવાણી વહેવડાવીને જ્ઞાનનો નવીન પ્રકાશ રેલાવ્યો. પછી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આનંદઘનજીનાં પદોમાં સંત કબીરનાં પદોની ભાવનાઓનો પ્રતિધ્વનિ સુમધુર રીતે ગુંજતો સંભળાય છે. કબીર અને આનંદઘન બંને પોતાની સુરતાની મસ્તીમાં મસ્ત રહેનારા સાધક હતા. કબીરે તો જડ રૂઢિ, અંધશ્રદ્ધાયુક્ત રિવાજો, પરંપરાગત કુસંસ્કારો અને એથીય વિશેષ ઢોંગી ધર્માચરણો સામે પ્રચંડ વિદ્રોહ કર્યો. આનંદઘનમાં વિદ્રોહની ઝલક છે, પણ એની માત્રા સંત કબીર જેટલી નથી. બંને સાધક મસ્તરામ છે. આધ્યાત્મિક અનુભવના દૃઢ આધાર પર એમની સાધના ટકેલી છે. જગત તરફ તો બંને સાવ બેપરવા છે. કબીર કે આનંદઘન બેમાંથી એકેય અજ્ઞાનના અંધકારમાં કે રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવને જોઈને સહાનુભૂતિ દર્શાવતા નથી. એમની અકળામણ આવા જીવો પ્રત્યે અનુકંપાના રૂપમાં પ્રગટ થતી નથી. તેઓ તો મિથ્યા બાબતો પર તીવ્ર પ્રહાર કરે છે. આવા રૂઢાચારોને જડમૂળથી ઉખાડી નાખવાની ઘગશ બંને સાધકોમાં છે અને એથી એને સાંખી લેવાની બદલે કબીર એને કટાક્ષથી અને આનંદઘન એને ઉપહાસથી વખોડી નાખે છે.

આનંદઘનજીનાં સ્તવનોમાં શાસ્ત્રજ્ઞાન અને જૈન સિદ્ધાંત વિશેની માર્મિક સમજનો અનુભવ થાય છે. પણ એમનાં પદોમાં શાસ્ત્રીય શૈલી કે સિદ્ધાંતનિરૂપણ જોવા મળતું નથી. અહીં તો વિરહી ભક્ત કે અલખનો નાદ જગાવતા મરમી સંતનું દર્શન થાય છે. કબીર આત્મા અને પરમાત્માની પ્રણય-અનુભૂતિ આલેખે છે, તો આનંદઘન એમનાં પદોમાં સુમતિનો ચેતન માટેનો તલસાટ વ્યક્ત કરે છે. કબીરનાં પદોમાં આત્માના વિયોગનું દર્શન છે. એણે પ્રેમનો પ્યાલો પીધો છે અને પ્રેમના પ્યાલાએ કેવી પરિસ્થિતિ સર્જી છે ?

કબીર પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય;
રોમ-રોમ મેં રમિ રહા, ઔર અમલ ક્યા ખાય.
સબ રગ તાંત રબાબ તન, બિરહ બજાવૈ નિત;
ઔર કોઈ સુનિ સકે સાંઈં કે ચિત્ત.
પ્રીતિ જો લાગી ઘુલ ગયી, પૈઠિ ગઈ મન માંહિ;
રોમ-રોમ પિઉ-પિઉ કહૈ, મુખ કી સરઘા નાહિ. *
* ‘सन्त साहित्य और साधना, ले. भुवनेश्वरनाथ मिश्र माधव, पृ.૧૩

  પ્રેમને કારણે રોમ-રોમ પ્રિયતમની પુકાર કરે છે. વેદના એવી છે કે અંતરમાં વલોણું ફરે છે અને બહાર એને કોઈ સમજી શકતું નથી. આનંદઘનજીએ પણ પ્રેમની કથાને અકથ કહાની કહી છે. બંને સાધકોએ માયાનું વર્ણન કર્યું છે. કબીર તો માયા અને છાયાને એકસરખી રીતે બતાવે છે. ભાગતા માણસની પાછળ માયા પડછાયાની જેમ એની સાથે ફર્યા કરે છે, પણ જો માણસ માયાની સામે થાય તો નાસી જાય છે. કબીર માયાને ઠગારી કહે છે. માયા મોહિનીએ ભલભલા વિદ્વાન અને સુજ્ઞજનોને મુગ્ધ કર્યા છે તેમજ એણે માનવી અને પ્રભુની વચ્ચે અંતરાયો ઊભા કર્યા છે. આથી સત્ય જ્ઞાન મેળવીને માયાના મોહફાશમાંથી દૂર થનારા વિશે કબીર કહે છે :

માયા દીપક નર પતંગ ભ્રમિ ભ્રમિ માહિં પરંત,
કોઈ
એક ગુરુજ્ઞાન તેં ઉબરે સાધૂ સંત

(માયારૂપી દીપક છે અને મનુષ્યો ભ્રમમાં ભૂલા પડે માયાદીપકમાં કૂદી પડે છે. સાચા ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને એમાંથી બચી જનારા સાધુસંત તો કોઈક હોય છે.) આનંદઘન કહે છે કે આતમકલિકા જાગતાં એમની મતિ આત્માને મળવા લાગી છે અને એમણે માયારૂપી દાસી અને તેના કુટુંબને ઘેરી લઈને કબજે કર્યાં છે. માયામાં ફસાયેલો ચેતન પોતાની અવદશાને દર્શાવે છે. ચેતન પ્રકૃતિએ અનાવૃત હોવા છતાં કર્માવૃત થઈ ગયો છે. એનો પ્રકાશ અંદર ગૂંગળાઈ રહ્યો છે. પોતાની શુદ્ધ ચેતનાનો એને ખ્યાલ છે. એના હૃદયમાં રહેલી છે, છતાં માયાને કારણે શુદ્ધ ચેતના પ્રગટ થઈ શકતી નથી. ચેતન સંસારના મોહરાગમાં ત્રસ્ત બનેલો છે. પરભાવમાં રમણ કરે છે. સ્થૂળ ઇન્દ્રિયસુખોમાં મોજ માણે છે. શરીર, પૈસા અને જુવાનીની ઘણી મોટી હાનિ થાય છે. દિવસે દિવસે એની અપકીર્તિ વધતી જાય છે અને ખાનદાની છોડી કુમાર્ગે ચડી ગયો હોવાથી એના માણસો પણ એનું માનતા નથી. માયાની આવી ભ્રમજાળને આલેખતાં કવિ આનંદઘન કહે છે :

 પરઘર ભમતાં સ્વાદ કિશો લહે ? તન ઘન યૌવન હાણ;
દિન દિન દીસે અપયશ વાધતો, નિજ જન મે કાંણ.
બાલુડી*
* શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા, પૃ. ૪૫.

 આવી રીતે કવિ આનંદઘન એક પદમાં (પદ ૧૦૦મું, શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ ૨, લે. મોતીચંદ કાપડિયા,
પૃ. ૪૩૨) તન, ધન, અને જુવાનીને ક્ષણિક કહે છે અને પ્રાણ તો પળવારમાં ઊડી જશે; તન જશે, પછી ઘન શા કામનું ? આથી જન્મોજન્મ સુખ આપતી ભલાઈ કરવાનું કવિ કહે છે. વ્યાપક દર્શન ધરાવતો મસ્ત કવિ જાણે જનસમુદાયને વહાલથી જાગ્રત કરતો હોય તેમ કહે છે.

 બેહેર બેહેર નહિ આવે, અવસર બેહેર બેહેર નહિ આવે;
જ્યું જાણે ત્યું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે,
અવસર0 -

 કબીર અને આનંદઘન બંનેનાં પદોમાં હિંદુ અને મુસલમાનના ઐક્યની વાત જોવા મળે છે. કબીર રામ અને રહીમ તેમજ કેશવ અને કરીમ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. જ્યારે આનંદઘન પણ કબીરનું ધાર્મિક ઔદાર્ય અને પરમ સત્યને પામવાના રહસ્યવાદને હૂબહૂ દર્શાવે છે. આનંદઘનમાં રહસ્યવાદી વિચારસરણી આકર્ષક રીતે પ્રગટ થયેલી છે. આમાં રામ, કૃષ્ણ કે મહાદેવને કોઈ વ્યક્તિ માનવામાં આવતી નથી. રામ એટલે રાજા દશરથનો પુત્ર નહીં, પરંતુ આતમરામમાં રમણા કરે તે રામ. પ્રાણીમાત્ર પર દયા કરે તે રહીમ. કૃષ્ણ એટલે કંસનો વધ કરનાર નહીં, પણ જ્ઞાનાવરણ આદિ કર્મોને નષ્ટ કરે તે કૃષ્ણ. શંકર કૈલાસવાસી નહીં, પણ જે નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરે તે મહાદેવ. જે આત્મસ્વરૂપને સ્પર્શ કરે તે પાર્શ્વનાથ અને જે ચૈતન્ય આત્માની સત્તાને ઓળખે તે બ્રહ્મા. આમ આનંદઘન તો કહે છે કે એમણે રીતે પરમતત્ત્વની ઉપાસના કરી છે અને પરમતત્ત્વ જ્ઞાતા, દ્રષ્ટા અને ચૈતન્યમય છે. કબીરની લગોલગ ઊભી રહે એવી આનંદઘનની સમર્થ વાણી છે.

 રામ કહો રહિમાન કહૌ કોઉ, કાન્હ કહૌ મહાદેવરી,
પારસનાથ કહૌ કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.          રામ-
ભજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી,
તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી.              રામ-
નિજપદ રમૈ રામ સો કહિયે, રહમ કરે રહમાનરી,
કરષૈ કરમ કાન્હ સો કહિયૈ, મહાદેવ નિરવાણરી.          રામ-
પરસૈ રૂપ સો પારસ કહિયે, બ્રહ્મ ચિન્હૈ સો બ્રહ્મરી,
ઇહ વિધ સાધ્યો આપ આનંદઘન, ચૈતનમય નિઃકર્મરી,     રામ-*
*’
શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ – 2, લે. મોતીચંદ કાપડિયા,  પૃ. 138.

 રહસ્યવાદમાં જે પરમાત્માની વિરલ અનુભૂતિ થાય છે, તે અનુભૂતિ સમયે અહંત્વ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, સમયે ધ્યાતા અને ધ્યેય આકરું બની જાય છે. આ અપૂર્વ અદ્વૈતની અનુભૂતિને બતાવવા માટે શબ્દો સમર્થ નથી, પણ સંતહૃદયમાં એની અભિવ્યક્તિની અકળામણ એટલી બધી થાય છે કે પરમાત્મતત્ત્વની અનુભૂતિ વાણીમાં સ્વયમેવ ઊતરી આવે છે. અગોચર અને અગમ્ય તત્ત્વને શબ્દમાં ઉતારવાનો પ્રયાસ થાય છે. પરમાત્મતત્ત્વની અનુભૂતિ વ્યક્તિએ-વ્યક્તિએ વિલક્ષણ હોય છે. જ્યારે અનુભવકર્તા અને અનુભૂત વસ્તુ એકરૂપ બને છે, ત્યારે સર્વત્ર અખંડરૂપનાં દર્શન થાય છે. કબીર મધુર અનુભૂતિને વ્યક્ત કરતાં કહે છે :

 લાલી મેરે લાલ કી, જિત દેખૂં તિત લાલ;
લાલી દેખન મેં ગઈ, મૈં ભી હો ગઈ લાલ.

 જ્યારે આનંદઘન કહે છે કે પ્રિયતમ સાથેનો મેળાપ, આત્મા અને પરમાત્મા સાથેનું ઐક્ય ફૂલની આસપાસ ભમતા ભમરા જેવું નથી, પરંતુ ફૂલમાં એકરૂપ થયેલા પરાગ જેવું છે. અને જ્યારે મિલન થાય ત્યારે કબીરને તેરા સાંઈ તુઝમેંનો અનુભવ થાય છે. તો આનંદઘનના અંતરમાં અનુભવરસની લાલી પ્રગટ થાય છે. કવિ આનંદઘન મનોરમ રૂપકથી અનુભવલાલીને બતાવતાં કહે છે :

 મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી;
તન ભાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા 0 3 *
*’
શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ – 1, લે. મોતીચંદ કાપડિયા, પૃ. 310

 કબીરની માફક આનંદઘને પણ અવધૂ અને સાધુને ઉદ્દેશીને પોતાનો ઉપદેશ આપ્યો છે. રીતે આનંદઘને કબીરની માફક અથવા તો રહસ્યવાદી કવિઓની માફક પ્રણયની પરિભાષામાં આત્મા અને પરમાત્માનો સંબંધ પ્રગટ કર્યો છે. રીતે રામ કહૌ, રહેમાન કહૌમાં આનંદઘન રહસ્યવાદી કવિની જેમ ચેતનમય પરમત્ત્વના રૂપની ઝાંખી કરે છે. કબીર શરીરની ક્ષણભંગુરતા બતાવે છે. કાયાને કાચા કુંભ જેવી કહે છે અને માનવી કાચી કાયા અને અસ્થિર મનને આશરે બધુંય સદાકાળ સ્થિર રહેવાનું છે એમ માની છાતી કાઢી ફરી રહ્યો છે, ગર્વમાં ઘૂમે છે, માયાના મોહમાં મસ્તાન છે. પણ કબીર કહે છે કે એને ફરતો જોઈને તો મહાકાળ હસ્યા કરે છે અને પછી એની દશા કેવી થાય છે ?

 હમ જાનૈં થે ખાયેંગે બહુત જમીં બહુ માલ,
જ્યોં કા ત્યોં હિ રહ ગયા પકરિ લૈ ગયા કાલ.

 (આપણે તો માનતા હતા કે ખૂબ જમીનજાગીર છે, અપાર માલમિલકત છે, નિરાંતે ઘડપણમાં એને ભોગવીશું. પણ થયું શું ? કાળ ઝાપટ મારીને ઊપડી ગયો અને બધુંય એમનું એમ રહી ગયું !) વહી જતા કાળ સામે કબીરની માફક આનંદઘન એક સુંદર કલ્પનાથી માનવને જગાડે છેઃ

 ક્યા સૌવૈ ઉઠ જાગ બાઉરે
અંજલિ જલ જ્યૂં આયુ ઘટત હૈ,
                દેત પહરિયા ધરિયે ધાઉ રે.
છંદ ચંદ નાગિંદ મુનિ ચલે, કો રાજા પતિ સાહ રાઉ રે.

 કબીર અને આનંદઘન બંનેએ જડ બાહ્યાચારનો વિરોધ કર્યો અને રીતે બંને પુસ્તકિયા જ્ઞાનથી પ્રભુપ્રાપ્તિનો માર્ગ મેળવવા ચાહનારાઓનો વિરોધ કરે છે. શાસ્ત્રજ્ઞાન દીપક છે, પણ આત્મજ્ઞાન રત્ન છે. દીપકના પ્રકાશથી રત્નની શોધ થાય, પણ દીપક રત્ન છે એમ માની શકાય. શાસ્ત્રીય જ્ઞાનથી આગળ વધીને સાધકે આત્મજ્ઞાન મેળવવાનું છે. આથી કબીર અને આનંદઘન કોરા અને અનુભવહીન શાસ્ત્રજ્ઞાનની ટીકા કરે છે. કબીર કહે છે કે આંધળાઓએ સ્પર્શીને જોયેલા હાથીનું તેમનું જ્ઞાન અપૂર્ણ છે. એવું પંડિતોના જ્ઞાન વિશે છે. ધ્યાનથી વિમુખ એવા જ્ઞાનીની દશાને વર્ણવતાં કબીર કહે છે:

 જ્ઞાની ભૂલે જ્ઞાન કથિ નિકટ રહ્યો નિજ રૂપ,
બાહર ખોજૈં બુરે ભીતર બસ્તુ અનૂપ.

 (જ્ઞાની બિચારો જ્ઞાનની વાતોના વમળમાં ભૂલો પડ્યો હતો. પોતાનું સાચું સ્વરૂપ પોતાની પાસે હતું. જે અનુપમ વસ્તુ એની ભીતરમાં હતી, એની શોધ માટે બિચારો કસ્તૂરીમૃગની જેમ બહાર ભટક્યા કરતો હતો.) સંત કબીરની જેમ આનંદઘન પણ શાસ્ત્રને બદલે અનુભવના રસરંગમાં લીન છે.

આનંદઘન અવધૂ ક્યા માગું ગુણહીના પદમાં કહે છે કે હું વેદ નથી જાણતો, કિતાબ નથી જાણતો, વિવાદ કરવા માટે તર્ક નથી જાણતો કે છંદરચના માટે કવિતા નથી આવડતી. આપનો જાપ નથી જાણતો. ભજનની રીત કે નિરંજનપદનાં નામ નથી જાણતો. બસ, હું તો તારા દ્વારે ઊભો રહીને તારું રટણ કરી જાણું છું.

મધ્યકાલીન રહસ્યવાદી કવિઓમાં અવધૂ, નિરંજન અને સોહં જેવા શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. સંત કબીરની વાણીમાં તો અવધૂ શબ્દ વારંવાર નજરે પડે છે. આનંદઘનનાં પદોમાં પણ અવધૂ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. અવધૂ શબ્દનો પ્રયોગ આનંદઘનજીએ એમનાં પદોમાં સાધુ યા સંતના અર્થમાં કર્યો છે. તેઓ કહે છે :

 સાધો ભાઈ ! સમતા રંગ રમીજૈ, અવધૂ મમતા સંગ કીજૈ.

રીતે આનંદઘન નિરંજન શબ્દનો પ્રયોગ પરમાત્માના અર્થમાં કરે છે. જે સમસ્ત ઠગારી આશાઓને હણીને ધ્યાન દ્વારા અજપા જાપની રટણ લગાડે તે આનંદના ઘનને નિરંજનને પામી શકે છે. નિરંજન સકળ ભયહર છે, કામધેનુ છે અને આથી અન્યત્ર ભટકવાને બદલે નિરંજનના શરણમાં જવું એમને વધુ પસંદ છે:

 અબ મેરે પતિ ગતિ દેવ નિરંજન
ભટકૂં કહાં, કહાં સિર પટકૂં, કહાં કરું જન રંજન
ખંજન દૃગન લગાવૂં, ચાહૂં ચિતવન અંજન
સંજન-ઘટ-અંતર પરમાતમ, સકલ-દુરતિ-ભય-ભંજન
એહ કામ ગતિ એહ કામ ઘટ, એહી સુથારસ મંજન
આનંદઘન પ્રભુ ઘટ બન કેહરિ, કામ મતંગ ગજ ગંજન. ૬૦

 આનંદઘનજીનાં પદોમાં હઠયોગની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. અવધૂના સંબોધનથી એમનાં અનેક પદોમાં સાધનાની વાત કરી છે. આત્માનુભવ અને દેહદેવલ મઠવાસીની વાત પણ આનંદઘનની કેટલીક સાખીઓમાં જોવા મળે છે. આનંદઘન કહે છે કે ઇડા-પિંગલાના માર્ગનો પરિત્યાગ કરીને સુષુમ્ના ઘરવાસી થવું પડે છે. બ્રહ્મરંધ્રની મધ્યે શ્વાસ પૂર્ણ થયા પછી નાદ સંભળાય છે. અને સાધક બ્રહ્માનુભૂતિનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ પામે છે. ડૉ. વાસુદેવસિંહ* તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કબીરનો કોઈ શિષ્ય કે અનુયાયી પણ સાધનાના ઉચ્ચ સોપાને અને કાવ્યની ઉચ્ચ કોટિએ પહોંચ્યો નથી, જે સ્થાન પર સંત આનંદઘન અને એમનાં કાવ્યો પહોંચી શક્યાં છે.

* ‘अपभ्रंश और हिन्दी में जैन रहस्यवाद’, डॉ. वासुदेवसिंह, पृ. 190

 કબીરની જેમ આનંદઘન પણ આગમ પીઆલાની મસ્તી આલેખતાં કહે છે :

 આગમ પીઆલા પીઓ મતવાલા, ચીન્ને અધ્યાતમ વાસા;
આનંદઘન ચેતન વ્હૈ ખેલે, દેખે લોક તમાસા.       આશા

 કવિ આનંદઘન અધ્યાત્મમતમાં મગ્ન લોકોને અગમ પ્યાલો પીવા આમંત્રણ આપે છે અને તે માટે અધ્યાત્મનો વાસ ક્યાં છે તે શોધવાનું કહે છે અને જ્યારે અગમ પ્યાલો પીવાનો આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે સંસાર-પ્રપંચ પ્રત્યક્ષ દેખાય છે. આ રીતે બંનેએ વિરલા અલખ જગાવેનો ઉપદેશ આપ્યો છે, પણ બંનેની શૈલી ભિન્ન છે.

 કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે, તો આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. કબીરનાં પદો માનવચિત્તને બાહ્ય વળગણોથી મુક્ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, જ્યારે આનંદઘનનો ઉપદેશ એ વ્યક્તિને યોગ અને અધ્યાત્મના ઊંડાણનો ગહન સ્પર્શ કરાવે છે. કબીરમાં વ્યવહારુ દૃષ્ટિ છે અને તેમાંથી મળતાં દૃષ્ટાંતોનું વૈપુલ્ય છે, જ્યારે આનંદઘનનાં પદો યોગ અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર હોવાથી એને સમજવા માટે વિશેષ સજ્જતાની જરૂર રહે છે.

 કબીરનાં પદોમાં આમજનતાના હિતનો ઉદ્દેશ રખાયેલો છે, જ્યારે આનંદઘનનાં પદોમાં વ્યક્તિને ભક્તિના લેબાસમાં આત્માના ઊંડાણમાં લઈ જવાનો પ્રયત્ન છે. કબીરનાં પદોની ભાષામાં ક્યાંય ગુજરાતી ભાષાની અસર જોવા મળતી નથી, જ્યારે આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં હોવા છતાં ગુજરાતી ભાષાની અસર ઝીલે છે. કબીરની શૈલી એ ઉપદેશશૈલી છે. – ઉપદેશકનો એક આવેશ એમનાં પદોમાં પ્રગટ થાય છે, જ્યારે આનંદઘનની શૈલી એ આત્મજ્ઞાનના દલેદલને ખોલીને બતાવનારી છે. કબીરમાં સત્યાર્થી સંતનો ઉત્કટ અભિનિવેશ જોવા મળે છે, જ્યારે આનંદઘનમાં સત્યાર્થી વૈરાગી આત્માની ઉત્કટ અનુભૂતિ જોવા મળે છે. કબીરને સમજવા માટે રહસ્યવાદીઓની પરંપરા જાણવી જોઈએ, જ્યારે આનંદઘનને પામવા માટે રહસ્યવાદીઓની પરંપરા ઉપરાંત જૈન પરિભાષા જાણવાની જરૂર રહે છે.

 આ રીતે કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. બંનેનું હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલક છે. કાનમાં નિરંતર ગુંજ્યા કરે એવું શ્રુતિપટુત્વ છે. પદોના ઉન્નત અને અલૌકિક ભાવ, સચોટ રૂપકો, ગહનમધુર ભાષા અને ઊંડું રહસ્યગર્ભ ચિંતન કાવ્યરસિકોને આનંદમાં તલ્લીન કરે છે. આનંદઘનનાં પદોની સંખ્યા કબીર જેટલી નથી. કબીર જેવું આવેશભર્યું બયાન એમાં નથી. એમાં વ્યવહારજીવનની નગદ કલ્પના નથી, આમ છતાં આનંદઘનનાં પદો એની સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન, ભાવોનું લાલિત્યભર્યું આલેખન, રહસ્યગર્ભ અનુભૂતિનું વેધક નિરૂપણ, સંકુચિતતાને બદલે વ્યાપક ભાવનાઓની ઉજ્જવળતા એ સર્વને જોતાં આનંદઘનને જૈન કબીર કહીએ તો તે ખોટું ન ગણાય. આ પદોમાં અનુભવાર્થી વૈરાગી કવિ આનંદઘનની સર્વોચ્ચ અવસ્થા પ્રગટ થાય છે. કવિએ અનુભવ લાલીના આત્મસાક્ષાત્કારથી અગમ પીઆલો પીધો છે અને પરમતત્ત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે.

 ભક્તિ અને મસ્તી

મીરાં અને આનંદઘનનાં પદ-સાહિત્યમાં પ્રભુમિલનનો તીવ્ર તલસાટ અને ઉચ્ચ અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ થાય છે. મીરાંની કૃષ્ણભક્તિ જીવનના કોઈ આઘાતજનક બનાવમાંથી એકાએક પ્રગટેલી નથી, તે જ રીતે આનંદઘનની વૈરાગ્યવૃત્તિ કોઈ સાંસારિક ઘટનાની ઠેસથી જાગી ઊઠેલી જણાતી નથી. આ સંતોના જન્મજાત સંસ્કારોમાં જ વૈરાગ્યનાં બીજ રોપાયેલાં  હોય છે. જે સમય જતાં વિકાસ પામે છે.

મીરાં અને આનંદઘન અંગે એક સામ્ય પણ જોવા મળે છે. મેડતાની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને એ પછી આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદઘન વિચર્યા હશે. જ્યાં મીરાંની પ્રેમલક્ષણાભક્તિનું સ્વયંભૂ ઝરણું પ્રગટ થયું, તે જ ભૂમિ તપસ્વી આનંદઘનની કર્મભૂમિ બની. અહીં મીરાં અને આનંદઘનના પદસાહિત્યની તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો છે.

આ બંને સંતોનાં પદો સ્વયંસ્ફુરિત છે. ક્યાંય સહેજે આયાસ માલૂમ પડતો નથી. મીરાંએ ભક્તિ અને આનંદઘને યોગના રહસ્યને આત્મસાત્ કર્યું છે અને એ પછી બંનેએ અંતરના નિગૂઢ ભાવોને પ્રેરણામય ઉલ્લાસથી ભાવવાહી વાણીમાં અભિવ્યક્ત કર્યા અથવા અભિવ્યક્ત થઈ ગયા એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.

મીરાંને માટે કૃષ્ણભક્તિ જેવી સ્વાભાવિક હતી એ જ રીતે આનંદઘનજીને માટે યોગ એ ચર્ચા કે અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો. આથી તેઓ યોગ અને આધ્યાત્મિક તત્ત્વોને રસિક અને ઉત્કટ વાણીમાં પોતાની કવિતામાં ઉતારી શક્યાં છે. મીરાંની માફક આનંદઘનનાં પદોમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની વેધકતા પ્રતીત થાય છે. વિરહિણી મીરાંએ પિયામિલન માટે ઝૂરતાં, અકળાતાં અને તરફડતાં વિરહનાં આંસુ સાર્યાં છે. મીરાંનું વિરહગાન તે મીરાંનું જ, અન્ય કોઈ એની તોલે ન આવે. એનો વિરહ એ કોઈ આતુર ભક્તનો વિરહ નથી, પણ પ્રેમવિહ્-વળ વિરહિણીની વેદનાભરી ચીસ છે. કોઈ અન્યનું વિરહગાન એ ગાતી નથી, પણ પ્રેમની વેદી પર સર્વસ્વ સમર્પણ કરી ચૂકેલી નારીની રીતે કૃષ્ણવિરહની વેદના ઠાલવે છે.

મૈં વિરહણી બૈઠી જાગૂં, જગત સબ સોવે રે આલી...

વિરહની એ પીડા આનંદઘનજીએ એટલી જ તીવ્રતાથી અને તલસાટભરી રીતે વ્યક્ત કરી છે. મીરાં ગિરધર નાગરને માટે તલસે છે, તો આનંદઘન પોતાના મનમેલુની રાહ જોતાં વિચારે છે :

મુને મારો કબ મિલશે મનમેલુ,
મનમેલુ વિણ કેલિ ન કલીએ, વાલે કવલ કોઈ વેલુ.
                            (આનંદઘનનાં પદો, ભાગ ૧, પૃ. ૨૭૮)

મનના મેળાપી વિનાની રમત એ કોઈ મૂર્ખ રેતીના કોળિયા વાળતો હોય તેના જેવી છે. આનંદઘન તો કહે છે કે જે માનવી આ મેળાપી સાથે અંતર રાખે છે તે માનવી નહીં, પણ પથ્થર છે. મનમેલુને મળવાની અકળામણ એટલી બધી છે કે મીરાંએ જેમ લોકલાજ છોડી હતી એ જ રીતે આનંદઘન પણ એ પતિને મેળવવા માટે મોટાંઓની મર્યાદા ત્યજીને બારણે ઊભા રહી રાહ જુએ છે, એના વિના ઝૂર્યા કરે છે. આંખો જે વાટ પરથી પતિ આવવાનો છે તેની ઉપર મંડાયેલી છે. શરીર પરનાં વસ્ત્ર કે આભૂષણ સહેજે ગમતાં નથી. કીમતી ઝવેરાત ઝેર જેવાં લાગે છે. આ અંતરના તાપને કોઈ વૈદ્ય મટાડી શકે તેવો નથી. સાસુ એક શ્વાસોચ્છ્-વાસ જેટલો કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને લાજ વગરની તૃષ્ણા-નણંદ સવારથી લડ્યા કરે છે. આ તનની વેદનાને તો હવે આનંદઘનના અમૃતનો વરસાદ થાય તો જ ટાઢક વળે એમ છે.

 સાસ વિસાસ ઉસાસ ન રાખેં નણદીની
ગોરી ભોરી લરીરી
ઓર તબીબ ન તપતિ બુઝાવે,
                          આનંદઘન પીયુષ ઝરીરી
                                                     (આનંદઘનનાં પદો, ભાગ ૧, પૃ. ૪૯૯)

 પહેલાં બીજાની વિરહવેદનાનો પોતે ઉપહાસ કરતી હતી, પણ જ્યારે પોતાને એ વિરહવેદનાનાં બાણ વાગ્યાં ત્યારે ખબર પડી કે આની પીડા કેટલી આકરી હોય છે ! આખા શરીરમાં શૂળની વેદના ભોંકાય છે, મન તો આ વિરહથી સતત ઓળવાતું રહે છે. આ વિદારક અનુભવ પછી હવે હું જ સહુને કહું છું કે કોઈ પ્રીત ન કરશો.

 હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છીજ્યો હો;
સમજી તબ એતી કહી, કોઈ નેહ ન કીજ્યો હો.

 મીરાં જેવી ભાવની દીપ્તિ અને વ્યથાની ચોટ આનંદઘનનાં આ પદોમાં દેખાય છે. હોળી તો ફાગણ માસમાં આવે છે, પણ કવિ આનંદઘન કહે છે કે અહીં તો અહર્નિશ અંતરમાં વેદનાની હોળી સળગ્યા કરે છે અને એ આ શરીરને તો રાખ કરીને ઉડાડે છે ! વિદારક વેદનાને આલેખવા માટે કવિ આનંદઘને આ પંક્તિઓમાં કેવી સુંદર કલ્પના કરીને વિરહને મૂર્તિમંત રૂપ આપ્યું છે !

 ફાગુણ આચર એક નિસા, હોરી સીરગાની હો;
મેરે મન સબ દિન જરૈ, તન ખાખ ઉડાની હો.
                   (આનંદઘનનાં પદો, ભાગ ૧, પૃ. ૪૪૦)

આ વિરહ એ સુમતિનો વિરહ છે. પોતાના ચેતનજી માટે એ તલસે છે. સુમતિ પોતાના અનુભવમિત્રને આ વિરહની વેદના કહે છે. ચાતક જેમ પીઉ પીઉ કરે, તેમ એ પતિની રટણા કરે છે. એનો જીવ પતિના પ્રેમરસને પીવા તરસ્યો છે. મન અને તન પતિની રાહમાં અસ્વસ્થ બન્યાં છે અને આ વિરહદશાને આનંદઘન અનુપમ કલ્પનાલીલાથી આલેખતાં કહે છે :

 નિસિ અંધિઆરી મોહી હસે રે, તારે દાંત દિખાઈ,
ભાદુ કાદુ મેં કિયો પ્યારે, અસુઅન ધાર વહાઈ.

 અંધારી રાત, તારારૂપી દાંત દેખાડીને મારી સામે હસે છે. રાત્રે નીંદ ક્યાંથી હોય ? આ વિજોગણ તો આંસુ સારે  છે અને એણે એટલાં આંસુ સાર્યાં કે ભાદરવો મહિનો કાદવવાળો બની ગયો ! મીરાંએ વિરહકી ફાંસડિયાંની વાત કરી છે, તો આનંદઘન પણ સુમતિના વિરહની વ્યથા આલેખતાં કહે છે :

 વિરહવ્યથા કછું ઐસી વ્યાપ્તી, માનું કોઈ મારતી બેજા,
અંતક અંત કહાલું લેગો પ્યારે, માહે જીવ તું લેજા.

 વિરહની પીડા તો એવી વ્યાપે છે કે જાણે કોઈ હૃદયને તીક્ષ્ણ તીરથી વીંધતું ન હોય ! ઓ અલ્યા વિરહ, તું ક્યાં સુધી આવી પીડા આપીશ ? તારી મરજી હોય તો આ જીવ લઈને જા ને. વિરહની પીડાનો કેવો તરફટાડ કવિએ શબ્દોમાં અંકિત કર્યો છે ! આનંદઘનનાં પદો વાંચતાં જ દરદ દીવાની મીરાંની યાદ મનમાં ઊપસી આવે છે.

 સંસારના પામર સુખને ત્યજવાનું મીરાં અને આનંદઘન બંને કહે છે. મીરાં એ સંસારસુખને ઝાંઝવાનાં નીર જેવું તુચ્છ અને પરણીને રંડાવું પાછું હોવાથી એને કાચું સુખ ગણે છે. આવા સંસારના કેટલાય કટુ અનુભવો મીરાંને એના જીવનમાં થયા છે. સંસારનો કાચો રંગ તો ઊડી જ જવાનો. કવિ આનંદઘન પણ મમતાની સોબતમાં પડેલા માનવીને જાગવા કહે છે. શુદ્ધ ચેતના પોતાના પતિ ચેતનને સંસારના મોહમાંથી જગાડવા માટે અનુભવમિત્રને વિનંતી કરે છે. જે માનવી સંસારના મોહમાં ફસાયેલો છે, એ તો આનંદઘનના કહેવા પ્રમાણે અજાગલ સ્તનમાંથી દૂધ મેળવવાની વ્યર્થ આશાએ ફાંફાં મારતો જ કહેવાય.

 અનુભવ નાથકું ક્યું ન જગાવે,
મમતા સંગ સો પાય અજાગલ, થન તેં દૂધ કહાવે.
                    
(આનંદઘનનાં પદો, ભાગ ૧, પૃ. ૧૭૬)

 સંસારના સ્વપ્નવત્ સુખમાં રાચતા માનવીને આનંદઘન હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા પર મોહ પામતો બતાવે છે. એની દશા ભારે બૂરી થાય છે. જેમ નરપશુ એકાએક હુમલો કરીને બકરીને મારી નાખે છે, એવી રીતે આવા માનવીને કાળ ગ્રસી જાય છે. કવિ કહે છે :

 “સુપનકો રાજ સાચ કરી માચત
રાહત છાહ ગગન બદરીરી,
આઈ અચાનક કાલ તોપચી,
ગહેગો જ્યું નાહર બકરીરી.

 ‘સંસારીના સુખને ત્યજનારી મીરાંને સંસાર તરફથી કેટલી કેટલી આફતોનો સામનો કરવો પડ્યો હતો ! સાસરવાસ અને મહિયર ત્યજીને એણે કાશી, વૃંદાવન સેવ્યાં અને છેવટે દ્વારકામાં વાસ કર્યો. જગત અને ભગત વચ્ચે આ સનાતન દ્વંદ્ધ ખેલાતું આવ્યું છે. આથી જ મીરાં કહે છે કે જેને ઘેર સંત પરોણો નાવે  તેના ઘેર શા માટે જવું ? પોતાની સાંસારિક સ્થિતિને વ્યક્ત કરતાં મીરાં ગાઈ ઊઠે છે :

 સાસરો અમારો અગ્નિનો ભડકો, સાસુ સદાની શૂળી રે,
એની પ્રત્યે મારું કાંઈ ન ચાલે રે, એને આંગણિયે નાખું પૂળી રે.
                     
(મીરાંનાં પદો, સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પૃ. ૧૬૪-૧૬૫)

 સાસુ, સસરો, જેઠાણી, દેરાણી, નણંદ અને પડોશણ એ બધાં મીરાંને પરેશાન કરે છે, પરંતુ મીરાં તો આ બધાંથી બેપરવા બનીને પોતાની મસ્તીમાં જ આંગણામાં થૈ, થૈ નાચે છે. કવિ આનંદઘન પણ સાંસારિક સંબંધોને આ રીતે આલેખે છે. તેઓ કહે છે કે ચેતન જે નારીના મોહમાં અંધ બન્યો છે એને ક્રોધ અને માન નામના બે દીકરા થયા છે, જેને લોકો તમાચા મારે છે. એને લોભ નામનો જમાઈ છે અને માયા નામની દીકરી છે, અને એવો એનો પરિવાર વધતો જાય છે :

 “ક્રોધ, માન બેટા ભયે હો, દેત ચપેટા લોક;
લોભ જમાઈ માયા સુતા હો, એહ વઢ્યો પરિમોહ.
                         
(આનંદઘનનાં પદો, ભાગ ૨, પૃ. ૩૦૧)

 કવિ આનંદઘન એ જ રીતે કહે છે કે માતા-પિતા, સગાંસંબંધી અને નાતીલાંની વાત તો સાવ વાહિયાત લાગે છે. જેણે એક વખત સત્સંગનો રસ ચાખ્યો એને બીજા કોઈ રસનો સ્વાદ લાગતો નથી. સંસારનાં સગાંઓ આ રસને સમજી શકતાં નથી અને એથી જ એની નિંદા કરે છે. કવિ કહે છે :

 માત તાત સજ્જન જાત, વાત કરત હૈ મોરી,
ચાખેં રસકી ક્યું કરી છૂટે ? સુરિજન સુરિજન ટોરી હો.

એથી ય વધુ મસ્તીમાં આવી આનંદઘન બોલી ઊઠે છે :

ભ્રાત ન માત ન તાત ન ગાત ન, જાત ન વાત ન લાગત ગોરી;
મેરે સબ દિન દરસન ફરસન, તાન સુધારસ પાન પગોરી.

મારે કોઈ ભાઈ નથી, માતા નથી, પિતા નથી, સગાં કે સંબંધી નથી. તેઓની વાત મને ગોઠતી નથી. મારે તો સઘળા દિવસો એનું જ દર્શન, એનું જ તાન, એનું જ પૂજન, એનું જ ગાન.

આવા સાંસારિક સંબંધો સરી જાય છે, માયાની મમતા ભેદાઈ જાય છે, ત્યારે મીરાંના વિષનો પ્યાલો અમૃત બને છે. આનંદઘનની મસ્તી નિરામય આનંદમાં લીન બને છે. મીરાં કહે છે કે પ્રેમ પિયાલો મેં પીધો રે, જ્યારે આનંદઘન કહે છે કે :

જ્ઞાનસિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો;
મોહત આનંદઘન પ્રભુ શિશધર, દેખત દૃષ્ટિ ચકોરી.
                        
(આનંદઘનનાં પદો, ભાગ ૧, પૃ. ૩૯૪)

મીરાંને રામ રતન ધન મળતાં આનંદની કોઈ સીમા રહેતી નથી, જ્યારે આનંદઘન શ્રી વિમલનાથજિનસ્તવનમાં ઘીંગ ધણી માથે કિયાં રે કહીને પોતાનાં સઘળાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાનો આનંદ પ્રગટ કરે છે. અને કેવો છે આ બંને સંતોનો પ્રભુપ્રેમ ! મીરાં કહે છે :

મેરે તો પ્રભુ ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ રે.

તો આનંદઘનનાં ઋષભ જિન સ્તવનમાં એ જ પ્રભુપ્રીતિનો પ્રતિધ્વનિ ગુંજે છે :

ઋષભ જિણેસર પ્રીતમ માહરા, ઓર ન ચાહું રે કંત.

મુખડાની માયા લાગતાં પ્રીત પૂરવની જાગે, પછી તો એ પ્રિયતમ જેમ રાખે તેમ રહેવાનું હોય ! મીરાં કહે છે કે રામ રાખે તેમ રહિએ કારણ કે પોતે તો એની ચિઠ્ઠીની ચાકર છે. મીરાં આર્જવભરી વાણીથી કહે છે કે એને તો આ ચાકરી જોઈએ છે અને એ ચાકરીમાં ભગવાનનું સ્મરણ માગે છે. ખરચીમાં શામળિયાનું દર્શન માગે છે અને વધારામાં ગિરધારીની ઝાઝેરી ભક્તિ ચાહે છે. આથી જ એ કહે છે કે હરિ મને પાર ઉતાર. તે માટે હું તને નમી નમીને વિનંતી કરું છું.

મીરાં ભક્ત હતી તો આનંદઘન મર્મી સંત હતા. એ કહે છે કે હું તો કશું જ જાણતો નથી. માત્ર તારા દ્વાર ઉપર આવીને તારા ગુણોનું રટણ જ કરી જાણું છું. આમ મીરાંની ભક્તિમાં મૃદુતા પ્રગટ થાય છે, તો આનંદઘનમાં મસ્તીનો ઉછાળ અનુભવાય છે. એ કહે છે :

અવધૂ ક્યા માગું ગુન હીના, વે  ગુનગનન પુવીના,
ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરમેવા.

મીરાંનાં પદોમાં જેમ અખંડ વરની પ્રાપ્તિનો આનંદ છે, એ જ રીતે આનંદઘનમાં પોતે સુહાગણ બાની એનો ઉમંગ જોવા મળે છે. મીરાં જેમ પ્રેમની કટારીથી ઘાયલ થઈ છે, તેમ આનંદઘન પ્રેમના રામબાણથી વીંધાયેલા છે.

કહાં દિખાવું ઔર કું, કહાં સમજાઉં ભોર;
તીર અચૂક હૈ પ્રેમકા, લાગે સો રહે ઠોર.

કવિ કહે છે કે આ પ્રેમના તીરનો ઘા હું બીજાને બતાવું કઈ રીતે ? વળી બીજા એનું સ્વરૂપ પણ ક્યાંથી સમજી શકે ? મીરાંની માફક તેઓ તેઓ પણ ઘાયલ કી ગત ઘાયલ જાને કહે છે. એથીય વિશેષ આનંદઘન કહે છે કે આ પ્રેમનું તીર એવું અચૂક છે કે જેને તે વાગે છે તે વાગેલું જ રહે છે. અને આ પ્રેમ સુહાગણ નારી પોતાના પ્રિયતમનાં અંગોની સેવા કરે છે, ત્યારે સુંદર રૂપક-લીલાથી આનંદઘન કહે છે કે એના હાથે ભક્તિના રંગની મેંદી ઊગી નીકળે છે, અત્યંત સુખદાયક ભાવરૂપ અંજન આંજે છે, સહજ સ્વભાવરૂપ ચૂડી પહેરે છે, સ્થિરતારૂપ કંકણ ધારણ કરે છે, ધ્યાન એને ખોળામાં લે છે, સૂરતનો સિંદૂર એની સેંથીમાં પુરાય છે, અનાસક્તિરૂપ અંબોડો વાળે છે, જ્યોતિનો પ્રકાશ એના અંતરાત્માના ત્રિભુવનમાં પ્રગટે છે અને કેવળજ્ઞાનરૂપ અરીસો હાથમાં લે છે. આ પદમાં કવિએ અનુભવરસથી સૌભાગ્યવતી બનેલી નારીના આનંદ-શણગારને રૂપકથી મનોરમ રીતે શણગાર્યા છે. અને છેલ્લે અંતરની એ આનંદમય દશાને આલેખતાં કવિ કહે છે :

ઊપજી ધુની અજપાકી અનહદ, જિત નગારે વારી;
ઝડી સદા આનંદઘન બરખત, વનમોર એક તાર.

શુદ્ધ ચેતનાના મંદિરમાં ચેતન આવે છે, અવર્ણનીય મેળાપ થાય છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. આ સમયે વિચાર આવે છે કે આમાં કરનારો કોણ અને કરણી કોની ? વળી આનો હિસાબ પણ કોણ માગશે ? કવિ આનંદઘન કહે છે :

સાધુ ભાઈ ! અપના રૂપ દેખા, સાધુ ભાઈ ! અપના રૂપ દેખા,
કરતા કૌન કૌન કુની કરની ? કૌન માગેગા લેખા ?”
                                   (‘
આનંદઘનનાં પદો, ભાગ ૨, પૃ. ૧૨૬)

આ સમયે કેવા આનંદના દિવસો વીત્યા છે, તેનું સુમતિના મુખે આલેખન કરતાં કવિ કહે છે કે, હે ચેતન ! તારા મીઠા બોલ પર હું વારી જાઉં છું, તારા સિવાય બીજા બધા મને બૂરા લાગે છે. હવે તારા વિના મારાથી રહેવાશે નહીં. સુમતિ કહે છે :

મેરે જીયકું કલ ન પરત હૈ, બિનું તેરે મુખ દીઠડે;
પ્રેમ પીયાલાં પીવત પીવત, લાલન ! સબ દિન નીઠડે.

 આ સમયે સોહં સોહંનો ધ્વનિ ગુંજવા લાગે છે. કવિ આનંદઘનને તો આ સિવાય બીજો કોઈ વિચાર કરવો પસંદ જ
નથી
:

 ચેતન ! ઐસા જ્ઞાન વિચારો,
સોહં સોહં સોહં સોહં, સોહં અણુ ન બીયા સારો.
                               
(આનંદઘનનાં પદો, ભાગ ૨, પૃ. ૨૪૯)

 અંતરને બારણે અનાહત્ નાદના વિજયડંકા બજવા માંડે છે. આનંદરાશિરૂપ વર્ષા મુશળધાર વરસવા માંડે છે. અને વનના મયૂરો એકતારરૂપ થઈ જાય એવી એકરૂપતા સુમતિ અને ચેતન વચ્ચે સધાય છે.

 મીરાં અને આનંદઘનનાં પદોમાં નિરૂપણનું લાલિત્ય સરખું છે, પંરતુ બંનેનો આલેખ્ય વિષય તદ્દન ભિન્ન છે. મીરાં પ્રણયની નિર્વ્યાજ અનુભૂતિનું સાહજિક આલેખન કરે છે, જ્યારે આનંદઘનમાં એ પ્રણય સુમતિ અને ચેતનના આત્મપિપાસુ પ્રણયના પરિવેશમાં લપેટાયેલો છે. મીરાં કહે છે કે એણે તો પ્રેમ આંસુ ડાર ડાર અમર વેલ બોઈ. આમ મીરાંએ આલેખેલા પ્રણયમાં એ પોતે જ પાત્રરૂપે આવે છે. જ્યારે આનંદઘનમાં તો કવિ પ્રણયાલેખનમાં પણ અધ્યાત્મભાવને વ્યક્ત કરતાં રૂપકો આલેખે છે. મીરાંનાં પદોમાં આવતાં પાત્રો એ સ્થૂળ સંસારનાં પાત્રો છે, જ્યારે આનંદઘનમાં આવતાં પાત્રો એ કોઈ આત્મઅનુભવના પ્રતીકરૂપે આલેખાયેલાં રૂપકો છે. ચેતન પતિ, સુમતિ પત્ની, કુમતિ શોક્ય, જ્ઞાન (અનુભવ) અને વિવેક એ સુમતિના ભાઈઓ તેમજ ચેતનના મિત્રો છે.

 પ્રેમવિરહિણી મીરાંનાં પદોમાં આત્મલક્ષિતા વધુ લાગે છે. જ્યારે જ્ઞાની આનંદઘનનાં પદો પ્રમાણમાં વધુ પરલક્ષી છે. મીરાંમાં જે નારીહૃદયના ઉદ્-ગારોને છે, એ જ પ્રકારના ઉદ્-ગારોને આનંદઘનમાં મળે છે, પણ ત્યાં એ ઉદ્-ગારોને કવિ રૂપક તરીકે આલેખે છે. આથી મીરાંનાં પદોમાં તાદાતમ્ય અને આનંદઘનનાં પદોમાં તટસ્થતા અનુભવાય છે. મીરાંની વેદના એના હૃદયમાંથી નીતરે છે, તો આનંદઘનની વેદના એ મર્મી સંતની વેદના છે. આનંદઘનની ભક્તિ જોવા મળે છે. જ્ઞાન જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે આનંદઘનમાં દેખાય છે. ભક્તિ જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે આપોઆપ દર્શન પ્રાપ્ત થાય છે એ મીરાંમાં દેખાય છે. આનંદઘનની ભક્તિ તત્ત્વજ્ઞાનને અનુષંગે થતી ભક્તિ છે. આથી એમનાં રૂપકોમાં પણ રહસ્યવાદ જોવા મળે છે. આમ છતાં મીરાં જેટલી તદાકારતા અને સચોટતા આનંદઘન એમનાં પદોમાં સાધી શક્યા છે, તે પદકવિ તરીકેન તેમની વિશિષ્ટ સિદ્ધિ ગણાય. પદના સ્વરૂપમાં મીરાંએ ભક્તિ અને આનંદઘન મસ્તી રેલાવી છે. બંને સંત કવિઓએ આ પદોમાં પોતાના આત્માનુભવનું બયાન કરવાની સાથોસાથ પદસાહિત્યમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે.

 અક્ષયરસ અને અનુભવલાલી

 ‘અક્ષયરસ વહેવડાવતો અખો અને અનુભવલાલીની મસ્તીનું ગાન કરતા આનંદઘન સમકાલીન તો હતા જ, પરંતુ એથીય વિશેષ બંનેમાં તત્કાલીન પરિસ્થિતિ પર નિર્ભય પ્રહર કરવાની ક્ષમતા, ધર્માંધતાનાં જાળાંને ભેદી નાખતી દૃષ્ટિ અને સત્ય–પિપાસુની આરતનું સામ્ય જોવા મળે છે.

 આનંદઘનજીના વૈરાગ્યભાવને દર્શાવતી અનેક દંતકથાઓ જોવા મળે છે, એ જ રીતે અખાના સંસારત્યાગને સૂચવતી જુદી જુદી કથાઓ મળે છે. આનંદઘનજીએ જે રીતે મેડતામાં ઉપાશ્રય છોડ્યો, એ જ રીતે અખાએ સોનીના ધંધા પર ધિક્કાર આવતાં હથિયાર કૂવામાં નાખી દીધાં એવી કથા પ્રચલિત છે. બંને સંતોએ સત્યને પામવા માટે અવિરત મથામણ કરી છે. સાચા ગુરુની શોધમાં આ બંને સંતો ખૂબ ઘૂમ્યા છે. આનંદઘનજીને સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ. એમને તો દિવ્યનયનથી વસ્તુતત્ત્વની વિચારણા કરનારાઓ વિરહ પડ્યો નિરાધાર લાગે છે. અખો પણ એને ક્યાંય આવા ગુરુની પ્રાપ્તિ થઈ નહીં એ માટે કહે છે :

 ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ :
ધન હરે, ધોખો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે ?”
પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ,
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર ?”

 પ્રાપ્ત રામ કે તે ગુરુ, બીજા ગુરુ તે લાગ્યાં વરુ :
ધન હરે, ધોખ નવ હરે, સંબંધ સંસારી સાચો કરે ?”

 અખો દંભી ગુરુઓ પર તીખ વાણીના કોરડા વીંઝે છે, તો યોગી આનંદઘન સાચા ગુરુની અપ્રાપ્તિનો ઘેરો વિષાદ સ્તવનોમાં પ્રગટ કરે છે :

 આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.

                                 (સ્તવન : , ગાથા : )

શ્રુત અનુસાર વિચાર બોલું, સુગુરુ તથા વિધ ન મિલઇં રે.

                                 (સ્તવન : ૨૧, ગાથા : ૧૦)

સચ્ચિદાનંદ પામવા માટે ગુરુની શોધ તો ઘણી કરી, પણ ક્યાંય સદ્-ગુરુની પ્રાપ્તિ ન થઈ. ક્યાંક દંભ જોયો તો ક્યાંક જડતા જણાઈ. ક્યાંક એકાંત આગ્રહની મમત જોઈ, તો ક્યાંક માત્ર બાહ્ય આડંબર દેખાયો. પારસમણિની શોધ કરી, પણ બધે પથ્થર જ મળ્યા. સાચા જ્ઞાનની ઝંખના માટે હૈયું વલોવાતું અને ત્યાં જ ખબર પડી કે સાચો ગુરુ કોઈ મંદિરની દીવાલોમાં, તર્કથી ભરેલા ગ્રંથોમાં કે કોઈ ક્રિયાકાંડોમાં રહેલો નથી. માનવીનો સાચો ગુરુ એ એનો આત્મા છે. આધ્યાત્મિક અનુભૂતિની અંતિમ સીમાએ પહોંચવા માટે એકલવીરની પેઠે પ્રયાણ કરવા દૃઢતાની જરૂર હોય છે. આ ચરમભૂમિકાએ કોઈ ગુરુ કે બાહ્ય આડંબર નકામા નીવડે છે. આત્માએ પોતે જ પોતાના પ્રયત્નથી આત્મપ્રતીતિ પ્રાપ્ત કરવાની રહે છે. જ્યારે પોતે જ પોતાના આત્મસ્વરૂપને ખોળી કાઢે છે, ત્યારે અંતર કેટલું ઉમંગથી ઊછળે છે !
અખો કહે છે
:

 ગુરુ થા તારો તું જ, જૂજવો કો નથી ભજવા.
હું એ હું કાઢ્યો ખોળી, ભાઈ રે, હું એ હું કાઢ્યો ખોળી.

 અખાની ખુમારી આ પદમાં કેવી લહેકાથી પ્રગટ થઈ છે ! એ જ ખુમારી આનંદઘનમાં એટલી જ ગૂઢ રીતે આલેખાઈ છે. જ્યારે આત્મસ્વરૂપમાં પરમાત્મભાવનો અનુભવ થાય છે, ત્યારે પરમાત્મસ્વરૂપ પામેલો આત્મા કેવી વિરલમધુર દશાને પામે છે ! આનંદઘન સોળમા શ્રી શાંતિ જિન સ્તવનમાં આવી વિલક્ષણ આત્મપ્રતીતિ અખા જેવા જ લહેકાથી કહે છે :

 અહો હું અહો હું મુઝને કહું, નમો મુઝ નમો મુઝ રે.

                                                 (સ્તવન : ૧૬, ગાથા : ૧૩)

 આત્મસાક્ષાત્કાર પછી હૃદયની ધરતી કેવા નિરાળા રૂપે સાત્ત્વિક પ્રભાવ ફોરતી હોય છે ! અજ્ઞાનની કાળરાત્રિ વીતી ચૂકી હોય છે અને જ્ઞાનના પ્રકાશથી અંતર ઝળાંહળાં થઈ રહ્યું છે ! એ ઉલ્લાસભરી આત્મદશાનું વર્ણન કરતાં આનંદઘનજી એક પદમાં કહે છે :

 સુહાગણ ! જાગી અનુભવ પ્રીત.
નિન્દ અનાદિ અજ્ઞાનકી; મિટ ગઈ નિજ રીત. (૧)
ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ;
આપ પરાઈ આપ હી, ઠાનપ વસ્તુ અનુપ. (૨)

 હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રકટ થયો છે અને તેથી અનાદિકાળના અજ્ઞાનની નિદ્રા દૂર થઈ છે. આનંદઘને એક અન્ય પદમાં મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોરનું ગાન કર્યું છે. અંતરમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રગટેલા પ્રભાતની અહીં વાત છે.

 પરમતત્ત્વની પ્રાપ્તિનો એ આનંદ અખાએ એનાં કાવ્યોમાં ભરપૂર ગાયો છે. અખો આ ચૈતન્યના વિલાસા આનંદની  છોળો ઉડાડતો કહે છે – ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો’. અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતાં અખો જાણે કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે :

 છીંડું ખોળતાં લીધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.

 એવા જ આનંદને દર્શાવતાં અખો એનાં પદોમાં ગાય છે કે અભિનવો આનંદ આજ, આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, આજ આનંદ ઓઘ ઊલટ્યા ઘણા.

 યોગી આનંદઘનનું તો સમગ્ર વ્યક્તિત્વ આનંદમય બની ગયું છે. પોતાની આનંદાવસ્થાનું ગાન કરતાં કવિ આનંદઘન તો આનંદઘન બની ગયા છે :

 મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન,
માત આનંદઘન, તાત આનંદઘન,
ગાત આનંદઘન, જાત આનંદઘન......૧

 અને આ અવસ્થા એવી છે કે એમાં કહેવાનું કે સાંભળવાનું કશું હોતું નથી. આ તો અનુભવની ચીજ છે. પ્રેમબાણ વાગ્યાં હોય તે જાણે ! આથી જ આનંદઘન કહે છે કે આ અકથ કહાણી તો અનુભવથી જાણી શકાય :

 અનુભવગૌચર વસ્તુકોરે જાણવો યહ ઇલાજ,
કહન સુનન કો કછુ નહિ પ્યારે આનંદઘન મહારાજ.

 અખાએ સમાજની અજ્ઞાનતા, જડતા અને ધર્માંધતા પર છપ્પાથી ચાબખા લગાવ્યા. સમાજની જડ અને નિર્જીવ રૂઢિઓનું પાલન કરવાની મનોવૃત્તિ અને જડ ક્રિયાકાંડમાં ખૂંપ્યાં રહેવાની અજ્ઞાનતા પર અટ્ટહાસ્ય કરતાં અખો કહે છે:

 તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ.

 આ જ જડતાનો વિરોધ યોગી આનંદઘન અખાની કટાક્ષ વાણીને બદલે એક કહેવત પ્રયોજીને કરે છે :

 શુદ્ધ સરધાંન વિણ સર્વ કિરિઆ સહી,
છાર પરિ લીપણો જાણો.
                         
(સ્તવન : ૧૪, ગાથા : )

આ બંને સંતોએ શૂન્યવાદ અને ચાર્વાકવાદનો સખત વિરોધ કર્યો છે. અખો એ શૂન્યવાદની મજાક કરતાં કહે છે :

 હવે શૂન્યવાદીને શૂન્યે શૂન્ય,
વિશ્વ નહીં, ને નહીં પાપ પૂન્ય;
ઉત્પત્ય નહીં, ને નહીં સમાસ,
સ્વપર નહીં, નહીં સ્વામીદાસ.
એમ વરતે શૂન્યવાદી ખરો,
પણ અખા ન ચાલે શૂન્ય ઊફરો.

 યોગી આનંદઘન ચાર્વાક મતનું ખંડન કરતાં સ્તવનોમાં ગાંભીર્યથી કહે છે :

ભૂત ચતુષ્ક વરજી આતમતત્ત,
                        સતા અલગી ન ઘટે,
અંધ શકટ જો નિજર ન નિરખો,
                        તો સુ કીજે શકટૈ.
                                         
(સ્તવન : ૨૦, ગાથા : ૬)

 એ સમયે સંપ્રદાયો વાદવિવાદમાં ડૂબેલા હતા. પોતાનો મત સૌથી શ્રેષ્ઠ એવી સ્થાપના માટે પક્ષાપક્ષી અને દલીલબાજી ચાલતી હતી. આવું સ્વમતનું ઝનૂન આવા જ્ઞાની અને યોગીઓને ક્યાંથી પસંદ પડે ? મતમતાંતરની આ લડાઈમાં મમત્વનું જ મહત્ત્વ હતું. આથી જ્ઞાની અખા અને યોગી આનંદઘને આવા જુદા જુદા મતની સ્થાપના માટે અહર્નિશ પોતાની શક્તિ વેડફનારાઓ પર તીવ્ર અણગમો દર્શાવ્યો છે. સાચા ધર્મને જાણ્યા વિના અંધારા કૂવામાં ઝઘડતા લોકો જેવા આ મતવાદીઓ અખાને લાગે છે.

 ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા.
એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે,
અખા એ અંધારો કૂવો, ઝઘડો ભી કોઈ ન મૂઓ.

 અખો ખટદર્શનના જૂજવા મતના મમત પર ટીકા કરે છે, જ્યારે આનંદઘનજી એના પર પ્રહાર કરવાને બદલે એકવીસમા શ્રી નેમિનાથ જિન સ્તવનમાં ષડ્દર્શનના છ મતે જિનેશ્વરનાં છ અંગ તરીકે દર્શાવે છે અને એ રીતે એમની વ્યાપક ઔદાર્યવાળી સમન્વયદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ પણ પોતાના મતમાં જ મસ્ત રહેનારા માનવીઓની અખાની માફક ટીકા કરે છે :

 મત મત ભેદેં રે જો જે પૂછીઈ
                      સહૂ થાપે અહમેવ.
                       (સ્તવન : , ગાથા : )

આ બંને સાધકો દંભે અને દંભને વખોડે છે, તે સાચાની કિંમત પોતે જાણે છે તે કારણે. આનંદઘન પણ અખાની માફક ઠોક સાથે કહે છે :

ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં
                 તત્ત્વ વાત કરતાં ન લાજે.
                     (સ્તવન : ૧૪, ગાથા : )

આ રીતે આ બંને સમકાલીનોએ તત્કાલીન સમાજની રૂઢિગ્રસ્તતા ને દંભ પર પ્રહાર કર્યો છે. એ પ્રહાર કરવાની રીતમાં બંનેના વ્યક્તિત્વની વિશિષ્ટતા આપમેળે પ્રગટ થાય છે.

કેટલેક સ્થળે તો અખો અને આનંદઘન એકસરખા ઉદ્-ગાર કાઢે છે. અખો કહે છે કે માત્ર સાચા ગુરુ મળે એટલે જ વાત પતી જતી નથી. બળદને નાથ ઘાલીએ છીએ તે શા માટે ? એની પાસે કામ કઢાવવાનું સરળ બને તે માટે. આ દૃષ્ટાંતથી અખો કહે છે કે મનને પણ નાથ ઘાલવી પડશે. એ જ મનને વશ કરવાની વાત આનંદઘનજીએ શ્રી કુંથુ જિન સ્તવનમાં ખૂબ મલાવીને કહી છે.

એ જ રીતે આ બંનેએ સાચા આત્મજ્ઞાનીની જે ઓળખ આપી છે તે જોવા જેવી છે. સાચો સાધુ વેશથી નહીં, પણ ગુણોથી ઓળખાય છે. માત્ર વેશ પહેરવાથી સાધુ ન કહેવાય, વેશ ધારણ કરવાથી આત્માની ઓળખ મળી જતી નથી. આવા વેશધારીઓ કે બાહ્યાચારમાં ડૂબેલાઓ વિશે અખો કહે છે :

આતમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી ?
બોડે ત્રોડે જોડે વાળ, એ તાં સર્વ ઉપલ્યો જંજાળ.

આનંદઘનજી આ રીતે આ જ ભાવને પ્રગટ કરતાં કહે છે કે સાચો આત્મજ્ઞાની એ જ શ્રમણ કહેવાય. બીજા બધા તો માત્ર વેશધારી ગણાય. જે વસ્તુને યથાર્થ સ્વરૂપે ઓળખાવે તે જ સાચો સાધુ ગણાય.

આતમજ્ઞાની શ્રમણ કહાવે,
બીજો દ્રવ્યત લિંગી રે;
વસ્તુગતેં જે વસ્તુ પ્રકાસેં,
આનંદઘન – મત સંગી રે.
                  
(સ્તવન : ૧૨, ગાથા : ૬)

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ પરત્વે જે જાગરૂકતા અને સ્પષ્ટ કથન અખામાં જોવા મળે છે, તેવાં જ જાગરૂકતા અને સ્પષ્ટ કથન આનંદઘનમાં મળે છે. અખો ફરંદો માણસ હતો, તો આનંદઘન વિહારી સાધુ હતા. અખાની વાણીમાં તિગ્મ ચોટનો અનુભવ થાય છે, તો આનંદઘનની વાણીમાં ગાંભીર્યનો અનુભવ થાય છે. અખો બ્રહ્મરસ અને બ્રહ્મખુમારીનું બયાન કરે છે, તો આનંદઘન આત્મજ્ઞાન અને અનુભવ-લાલીનો રંગ જમાવે છે. આ બંનેમાંથી એકેય શુષ્ક જ્ઞાની નથી. અખો છોગાં મેલીને ફરનારો મસ્ત વિહારી છે, તો આનંદઘન પોતાની મસ્તીમાં જીવનારો મનમોજી સાધક છે.

અખો પોતાનો આત્માનુભવ ગાય છે, પણ એની ખૂબી એ છે કે આ બ્રહ્મરસની ગહન અનુભૂતિને વ્યવહારજીવનનાં દૃષ્ટાંતોથી અભિવ્યક્ત કરી છે. એની વાણીમાં વાસ્તવજીવનમાંથી મળેલી ઉપમાઓની આતશબાજી છે, જ્યારે આનંદઘનમાં વાસ્તવજીવનની ઉપમાઓ કે દૃષ્ટાંતો પ્રાસંગિક છે. આનંદઘનમાં વિશેષ કાવ્યતત્ત્વ છે અને એમનો ઝોક રહસ્યવાદ (Mysticism) તરફ છે. અખો એ રહસ્યવાદી નથી, પણ તત્ત્વજ્ઞાની છે. અખાએ એનાં કાવ્યોમાં વેદાંતનું તત્ત્વજ્ઞાન આલેખ્યું છે, જ્યારે આનંદઘનજીએ જૈન સંપ્રદાયની પરિભાષામાં જ્ઞાનબોધ આપ્યો છે. આનંદઘનમાં મસ્તી એ સ્થાયી ભાવ છે, જ્ચારે અખામાં મસ્તીની ઝલક જોવા મળે છે. આનંદઘન આત્મસાધનામાં મસ્ત યોગી હતા, આથી સામાજિક સુધારા વિશે એમના કવનમાં કશું મળતું નથી. અખો સમાજ ને સામાજિક સુધારા તરફ વિશેષ ઝોક ધરાવે છે. આ કારણે જ એની વાણીમાં તિગ્મતા વિશેષ જોવા મળે છે. અખાની ભાષા રુક્ષ અને પ્રહારાત્મક છે, જ્યારે આનંદઘનની ભાષા મુકાબલે મૃદુ છે. અખામાં હાસ્યનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. આનંદઘનમાં હાસ્ય ભાગ્યે જ જોવા મળશે. આ બંને સર્જકોએ પદના કલાસ્વરૂપમાં ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ રેડેલો છે, પણ અખો વેદાંતની પરિપાટી પર એ અધ્યાત્મ-અનુભવનો આનંદ વ્યક્ત કરે છે, જ્યારે આનંદઘનમાં કબીર અને મીરાંની રીતે સહજભાવે જ અધ્યાત્મ-ઉપદેશ જોવા મળે છે.

એક જ સમયની પટ્ટી પર આમ બે ભિન્ન પ્રદેશના જ્ઞાનીઓ અજ્ઞાની સમાજને પોતાની જ્ઞાનભરી અનુભવવાણીથી પ્રહાર કરીને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે. મસ્ત સાધકોની એક રીતે એ સમાજલક્ષી પરમાર્થપ્રવૃત્તિ હતી.