સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ

સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ

સાહિત્ય અને પત્રકારત્વ બંનેનો ઉદ્-ગમ ભાષાકીય અભિવ્યક્તિને રૂપે થાય છે. સર્જક પોતાના હૃદયની તીવ્ર અનુભૂતિને કલ્પનાનો ઓપ આપીને ભાષાના માધ્યમ દ્વારા નવોન્મેષ પ્રગટાવે છે, જ્યારે પત્રકારનું મુખ્ય કાર્ય માહિતી કે વિચારનું સંક્રમણ સાધવાનું છે. સાહિત્યનો સંપૂર્ણ ઝોક સર્જકની અભિવ્યક્તિ પર છે. માહિતી પીરસવા જેવી ભૌતિક ઉપયોગિતા પર એની નજર નોંધાયેલી હોતી નથી. સાહિત્ય જનસમૂહમાં પ્રતિષ્ઠા પામે તો તેની યોગ્યતાનું પ્રમાણ છે એમ હંમેશાં બનતું નથી, જ્યારે અખબારી લખાણમાં તો વાચકસમૂહ દ્વારા થતી સ્વીકૃતિ તેનું સૌથી મોટું પ્રમાણપત્ર મનાય છે.

આમ, સાહિત્ય અને પત્રકારત્વ બંનેનો અભિગમ તદ્દન નિરાળો હોવા છતાં બંને વચ્ચે ભાષાની સમાન ભૂમિકા રહેલી છે. ભાષા પર જેટલો હક સાહિત્યનો છે, એટલો અધિકાર બીજાં સામૂહિક પ્રસારણના માધ્યમોનાં છે. તેમાં પણ અખબારો તો સવિશેષ છે. રેડિયોમાં શબ્દની સાથે અવાજનું અવલંબન લેવામાં આવે છે. ટેલિવિઝનમાં શબ્દ દૃશ્ય અને અવાજ બંનેનો સાથ લે છે. નાટકમાં અભિનય છે, પરંતુ અખબારમાં તો માત્ર છાપેલા શબ્દની સહાયથી પત્રકે ધારેલી અસર ઉપજાવવાની અને ઉપસાવવાની છે.

ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યકાર આત્માભિવ્યક્તિનો ઉદ્દેશ સાધે છે, જ્યારે વર્તમાનપત્રનો ઉદ્દેશ માત્ર વાચક સાથે કૉમ્યુનિકેશન સાધવાનો છે. જે જોયું કે જે સાંભળ્યું વાચકના ચિત્ત સુધી પહોંચાડવું પત્રકારના કાર્યની ઇતિશ્રી છે. આમ સાહિત્યમાં આત્માભિવ્યક્તિ અને એક રીતે આત્મલક્ષિતાનું તત્ત્વ પ્રવર્તે છે જ્યારે વર્તમાનપત્રમાં વસ્તુનું સચોટ આલેખન મુખ્ય હોય છે. આત્મલક્ષિતાને તેમાં ભાગ્યે કોઈ અવકાશ હોય છે. ફોટોગ્રાફની જેમ હૂબહૂ છબી પૂરી પાડવી વર્તમાનપત્રનો ઉદ્દેશ હોય છે. સાહિત્યકાર ભાષાથી સૌંદર્યાંનુભૂતિ અને સૌંદર્યબોધ કરાવે છે, જ્યારે પત્રકાર ભાષાના માધ્યમથી યથાર્થ દર્શન કે સચોટ અસરનો હેતુ સાધે છે. ભેદનું કારણ છે કે સાહિત્ચયકાર અને પત્રકારનો કીમિયો તદ્દન જુદો છે. સાહિત્યકાર શબ્દનો બંદો છે, તો પત્રકાર શબ્દનો સોદાગર છે. સાહિત્યકાર શબ્દને પ્રતીક તરીકે વાપરે છે, જ્યારે પત્રકાર માટે શબ્દ સીધું વાહન બની જાય છે. એક રીતે કહીએ તો, પત્રકાર શબ્દનો સ્થૂળ ઉપયોગ કરે છે, સાહિત્યકાર તેનો સૂક્ષ્મ ઉપયોગ કરી જાણે છે. જેટલે અંશે પત્રકાર શબ્દને પ્રતીક તરીકે વાપરતો થાય, તેટલે અંશે એના લખાણમાં સાહિત્યિક તત્ત્વ આવે છે. પોતાના લખાણને સાહિત્યિક સ્પર્શ આપવા માટે પત્રકાર શબ્દને કલ્પનાનો સ્પર્શ આપીને તેનો પ્રતીકાત્મક ઉપયોગ કરે છે. વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ સાહિત્ય છે એવી જાડી ગણતરી સામાન્ય રીતે પ્રવર્તે છે. આનું કારણ છે કે સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું માધ્યમ ભાષા છે. ભાષાની અભિવ્યક્તિ માટે બંને સભાન પ્રયત્નો કરતા હોય છે અને નિરૂપણની ખૂબીઓ કેળવવાનો પણ સાહિત્યકાર અને પત્રકારનો પ્રયાસ હોય છે.

સાહિત્યકાર વાસ્તવિક પરિસ્થિતિને પોતાની અનુભૂતિમાં રસીને મૂકે છે, જ્યારે પત્રકારને એવું કરવાનું હોતું નથી. આથી પત્રકારના લખાણની કિંમત સમાચારરૂપ વસ્તુના તાજા વાચનમાં રહેલી છે, જ્યારે સાહિત્યની અસર સંવેદન જાગ્રત કરવા રૂપે હોવાને લીધે ચિરંજીવ હોય છે. તેથી સાહિત્ય જ્યારે વાંચો ત્યારે તાજગીનો અનુભવ કરાવે છે. આજના સમાચાર આવતી કાલે વાસી બને છે. પણ કવિતા ક્યારેય વાસી બનતી નથી. વર્તમાનપત્રની તત્કાળ અસર ઘણી મોટી થાય છે, આથી પ્રજામાં મોટાં આંદોલનો ઊભાં કરવામાં, ક્રાંતિ લાવવામાં, લોકશાહીને સુસ્થિત કરવામાં કે જિવાડવામાં વર્તમાનપત્ર અગત્યનું પરિબળ ગણાય છે.

ભાષાના વિકાસ સાથે જેટલો સાહિત્યને સંબંધ છે, તેટલો બલકે એનાથી વિશેષ સંબંધ પત્રકારત્વને છે. વર્તમાનપત્રે પોતાના ઉપયોગ માટે ભાષાને વિશિષ્ટ રીતે ખીલવી છે. ચિત્રાત્મકતા, ઉદ્-બોધન, ભાવસભરતા, જુસ્સો બધાંની વર્તમાનપત્રને જરૂર પડે. આથી ભાષાને એણે રીતે ખીલવવા પ્રયાસ કર્યો છે. એક રીતે તો અભિવ્યક્તિ માટે સાહિત્યકાર કરતાં પણ પત્રકારને સતત પડકાર ઝીલવાનો હોય છે. નવલકથામાં રાજદરબારનું વર્ણન કરવાનું હોય, તો સરસ્વતીચંદ્ર ભાગ-1માં આવતું ભૂપસિંહના દરબારનું વર્ણન યાદ કરીએ; પરંતુ પત્રકારને તો દુનિયામાં વખતોવખત થતા જુદા-જુદા રાજ્યાભિષેકોના અવાલો લખવાના આવે છે. નેપાળના રાજાનો કે ઇંગ્લૅન્ડની રાણીના રાજ્યાભિષેક વખતે તદ્દન વિરોધી પરિસ્થિતિઓનો એણે સામનો કરવાનો હોય છે. એથીયે વિશેષ કેટલાક બનાવો એવા છે કે જે પત્રકારની કલમની, એની નિરૂપણશક્તિની અગ્નિપરીક્ષા બની રહે છે. માનવી અવકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઊતર્યો ઘટના અને એના રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દસામર્થ્ય કસોટીએ ચઢે છે. તેનામાં રહેલી સર્જકતા અભિવ્યક્તિ વખતે એની મદદે આવે છે. પ્રથમ અણુબૉમ્બથી સર્જાયેલો માનવસંહાર બતાવવા માટે કે ભારતના અણુપ્રયોગની જગતને જાણ કરવા માટે પત્રકારને ખૂબ પરિશ્રમ ખેડવો પડે છે.

પ્રજામાનસ પર તત્કાળ અસર કરવા માટે પત્રકારત્વને જોશીલી અને બળકટ ભાષાની જરૂર પડે છે. આમાં તળપદી ભાષા વધુ કામ આપી શકે. તે સહેલાઈથી ચોટદાર બનતી હોવાથી અખબારો તળપદી ભાષાનો ખૂબ ઉપયોગ કરે છે. આમ જનતા સાથે કૉમ્યુનિકેશન સાધવા માટે અનિવાર્ય પણ છે. બીજી બાજુ સંસ્કૃતમય શૈલી ધરાવતું હોઈ અખબાર આપણે ત્યાં જોવા નહીં મળે. એવું વલણ ધરાવતું અખબાર બહુ લોકપ્રિય પણ નીવડે. વળી જરૂરિયાત પ્રમાણે અખબાર પોતાની આગવી પરિભાષા પણ ઊભી કરી લે છે.

સાહિત્યિક લખાણ અને અખબારના લખાણનો ભેદ છે કે સાહિત્ય કલાની સભાનતા અને ગંભીરતાથી સર્જેલો કસબ છે, જ્યારે પત્રકારનું લખાણ એવા કારીગરનો કસબ છે કે જે ગંભીર અને જાગ્રત હોવા છતાં કલાની સભાનતા દાખવી શકતો નથી. અખબારી લખાણને છાપાની ઝડપ અને સમય મર્યાદા સાથે તાલ સે કદમ મિલાવવાના હોય છે. અખબારી લેખન પર એક એવો આક્ષેપ કરવામાં આવે છે કે એનું ખૂબ ઝડપી ઉત્પાદન થતું હોય છે, પરંતુ ઝડપથી લખવું તે કોઈ આસાન બાબત નથી. માટે લખનાર પાસે વિષયનું વૈવિધ્ય અને શૈલી પાસેથી ધાર્યું કામ કઢાવવાની આવડત હોવાં જોઈએ. મેથ્યુ આર્નલ્ડે પત્રકારત્વને ઉતાવળે લખાયેલું સાહિત્ય (Literature written in a hurry) કહ્યું છે. પત્રકારને સાહિત્યકાર જેટલી નિરાંતે લખવાની અનુકૂળતા હોતી નથી. એના પર સમયનો તકાદો હોય છે. સાહિત્યમાં જેટલી અભિવ્યક્તિની મોકળાશ, પસંદગીનું વૈવિધ્ય અને પ્રયોગશીલતા હોય છે એટલી પત્રકારત્વમાં નથી. કારણ કે પત્રકારને પોતાના બજારની માંગનો સતત ખ્યાલ રાખવો પડે છે. આમ છતાં સાહિત્યમાં વર્તમાનપત્ર આવે છે, એના કરતાં વર્તમાનપત્રમાં સાહિત્ય વિશેષ આવે છે. આથી પત્રકારત્વ સાહિત્યિક રચનાનું પ્રવેશદ્વાર ગણાય છે. કારણ કે એની પાસેથી લેખકને આવશ્યક પૂર્વભૂમિકા અને તાલીમ મળી રહે છે. ઘણા ખ્યાતનામ સર્જકો પહેલાં પત્રકારો હતા અને પછી પ્રસિદ્ધ લેખકો બન્યા.

અખબારનું મોટા ભાગનું લખાણ સમયની ફ્રેમમાં મઢાયેલું હોય. આનો અર્થ એવો નથી કે અખબારમાં આવતું બધું લખાણ પ્રાસંગિક અને ક્ષણજીવી હોય છે. બીજી રીતે વિચારીએ તો સાહિત્યમાં પણ કેટલું સર્જન ચિરંજીવ હોય છે ? કાળના પ્રવાહમાં કેટલી બધી કૃતિઓ વિસ્મૃતિથી વીંટળાઈ ગઈ હોય છે ! આથી એમ કહી શકાય કે સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જનની માફક પત્રકારનું ઉચ્ચ કોટિનું લખાણ પણ ચિરંજીવ બને છે.

ઘણી વાર આજનું અખારી લેખન આવતી કાલનું સાહિત્ય બનતું હોય છે. ચાર્લ્સ ડિકન્સની વિખ્યાત નવલકથા ‘A Tale of Two Cities’ પહેલાં “All the Year Round” નામના સામયિકમાં પ્રગટ થઈ હતી. વખત જતાં એને સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવી. વળી પત્રકારત્વ પાસેથી લેખકોને ઉત્તમ કક્ષાની તાલીમ મળે છે. એમાંથી સાંપડેલા આત્મવિશ્વાસને પરિણામે કેટલાકે મનોરમ સાહિત્યસર્જન કર્યું છે. છેલ્લા બે સૈકામાં ઇંગ્લૅન્ડમાં ઘણા પત્રકારોએ ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કર્યું છે. આમાં ડેનિયલ ડીફો, જોસેફ એડિસન, રિચાર્ડ સ્ટીલ, જોનાથન સ્વિફ્ટ, ચાર્લ્સ ડિકન્સ, રુડયાર્ડ કિપ્લિંગ, આર્નોલ્ડ બેનેટ, જ્હૉન ગાલ્સવર્ધી, જી. કે. ચેસ્ટરટન, એચ. જી. વેલ્સ, જ્યૉર્જ બર્નાર્ડ શૉ, આર્થર ક્વીલર કૂચ, જી. કે. પ્રિસ્ટ્લે, રેબેકા વેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકામાં પણ એલેક્-ઝાન્ડર હેમિલ્ટન, વિલિયમ બ્રાન્ટ, હેરિયટ સ્ટૉવ, માર્ક ટ્વેઇન, અર્નેસ્ટ હેમિંગ્વે અને જ્હૉન સ્ટાઇનબેક જેવા સમર્થ સાહિત્યસર્જકોએ પોતાના લેખનનો પ્રારંભ અખબારી લખાણથી કર્યો હતો. 1932ના જાન્યુઆરીના Fortnightly Reviewમાં જાણીતા લેખક આઇવર બ્રાઉન લખે છે :

સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ખાસ કોઈ પાયાનો તફાવત નથી. માત્ર અમુક સમયને અંતરે પ્રગટ થવાને કારણે પત્રકારત્વમાં અલ્પજીવતા હોય છે. સાહિત્યના પુસ્તકની બાંદણી પાકી હોય છે અને બીજાની કાચી હોય છે. વળી કેટલાક લોકો ગપસપને સુંચિંતિત કૃતિની સાથે ભેળવી દઈને પત્રકારત્વ પ્રત્યે સૂગ દર્શાવે છે અને કેટલાક તો એક કે બે આનામાં મળતું હોય છે એટલે એને હલકું ગે છે.

હકીકત છે કે અખબારના સામાન્ય કાગળ પરનાં ઘણાં લખાણોએ પુસ્તકનું આગવું રૂપ ધારણ કર્યું છે. સામયિકો અદૃશ્ય થઈ ગયાં હોય, પરંતુ લખાણો પુસ્તકના સ્થાયી રૂપમાં હજી પણ આનંદ પામે છે. આમ, પત્રકારત્વ સાહિત્યની સામગ્રી ધરાવતું એક પ્રાથમિક રૂપ છે. ઘેરા રંગ (Loud Colours) અને કંઈક અંશે સ્થૂળ (Crude) સ્વરૂપ ધરાવતું પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે અખબારી લખાણ એટલે સાહિત્યથી હલકું લખાણ એવો પૂર્વગ્રહ પ્રવર્તતો જોવા મળે છે. લખાણને છાપાળવી શૈલી કહીને ઘણી વાર ઉતારી પાડવામાં આવે છે. ઝડપથી પ્રગટ થતાં અખબારોમાં શૈલીની સુઘડતા કે જોડણીની શુદ્ધિ વિશે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. પરંતુ દોષને નજરમાં રાખીને અખબારમાં પ્રગટ થતાં લખાણોને ઉતારી પાડવાં યોગ્ય ગણાય નહીં. શ્રી કનૈયાલાલ મુનશીની પ્રસિદ્ધ નવલકથા પાટણની પ્રભુતા પહેલાં વીસમી સદી માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. શ્રી ઝવેરચંદ મેઘાણીના ઘણા સાહિત્યની ગંગોત્રી દૈનિક પત્રકારત્વ છે. લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી જેવાનાં વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો પુસ્તકાકારે જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણી મોટી સંખ્યામાં નવલકથાકારો દૈનિક દ્વારા આગળ આવ્યા છે. ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ . શાહ, શિવકુમાર જોશી, ઈશ્વર પેટલીકર, મોહમ્મદ માંકડ, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ અને શયદા જેવા ઘણા નવલકથાકારોએ અખબારમાં લખીને પોતાની સર્જન-પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો છે. શ્રી સુરેશ જોષીની માનવીનાં મન જેવી કૉલમ શુદ્ધ સાહિત્યિક બરની હોવા છતાં તેમાં પ્રતિબિંબિત સંવેદનાને કારણે રોચક વાચન પૂરું પાડે છે. પ્રજાબંધુની સાહિત્યચર્ચા, ગુજરાતીની સાહિત્યપૂર્તિની સળંગ શ્રેણી, જન્મભૂમિનો કલમ અને કિતાબ વિભાગ તેમજ સંસ્કૃતિ, કુમાર, ગ્રંથ અને નવચેતન જેવાં સામયિકોએ કરેલી સાહિત્યસેવા ભૂલી શકાશે નહીં.

અખબાર સામૂહિક પ્રસારણનાં માધ્યમોમાંનું એક ગણાય છે, તેમ છતાં સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે પત્ર સાહિત્યિક દૃષ્ટિએ વધુ સુઘડ અને વધુ રોચક વાચન પૂરું પાડે તે ઊંચી કોટિનું એમ અત્યારે પણ મનાય છે. સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો પત્રકારનો સતત પ્રયત્ન હોય છે. પત્રકારત્વના વિકાસ સાથે પણ સાહિત્ય સંકળાયેલું રહ્યું છે.

નવચેતનના તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદેશીને સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના સંબંધ અંગે પ્રશ્ન પૂછતાં તેમણે આવો ઉત્તર આપ્યો હતો :

ખરું જોતાં તો પત્રકારત્વ સાહિત્યનો એક પ્રકાર છે. પણ પ્રકાર એક રીતે પ્રાસંગિક અને અલ્પજીવી હોઈને સાહિત્યના અન્યાન્ય પ્રકારો જેટલું મહત્ત્વ એને અપાય સ્વાભાવિક છે. સાહિત્યનું આયુષ્ય જેટલું વધારે એટલું અદકું એનું મૂલ્ય. એટલે આપણે સામાન્યત: પત્રકારત્વને સાહિત્ય લેખતા નથી. સાહિત્યનો મૂળ અર્થ છે સાધન. મૂળ અર્થાનુસાર પત્રકારત્વ પણ જનતાને સાંપ્રત પ્રવાહોથી પરિચિત રાખવાનું સાધન છે. પણ પત્રનો પ્રત્યેક અંક ઝડપભેર તૈયાર કરવાનો હોઈને તૈયાર કરતી વેળા સાહિત્યની ચિરંજીવતાની દૃષ્ટિ રાખવી પાલવતી નથી, આમ છતાં હવે વર્તમાનપત્રો પણ સાહિત્યનો યોગ સાધતાં થયાં છે. પત્રકારને સાહિત્યનો જેટલો વધુ સ્પર્શ તેટલે અંશે વધારે સારી રીતે રજૂઆત કરી શકે એમ હું માનું છું. સાહત્યના લેશમાત્ર સ્પર્શ વિનાનું પત્રકારત્વ મીઠા વિનાના ભોજન જેવું લેખાય.

સાહિત્યકાર પત્રકારત્વને કઈ રીતે સમૃદ્ધ કરી શકે તેનો સુંદર દાખલો સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પૂરો પાડ્યો છે. સાહિત્યની ફોરમને વર્તમાનપત્રમાં મૂકીને, તેમજ સાહિત્યની મૂલ્યવત્તાને સહેજે હાનિ પહોંચાડ્યા વિના સાહિત્યિક સુગંધવાળી, હળવાશભરી, પાસાદાર ભાષાનો એમણે પ્રયોગ કર્યો છે. 1941માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેજસ્વી શૈલીવાળા લોકોનાં હૃદય પર સચોટ છાપ પાડે તેવા લેખો આપ્યા હતા. છેલ્લો કટોરો, હજારો વર્ષની જૂની, અને માડી તારો બેટડો આવે, આશાહીન એકલો આવે ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ત્યારે લખેલું કાવ્ય તેનાં ચિરંજીવ દૃષ્ટાંતો છે. 1969માં ગાંધી શતાબ્દીના વર્ષમાં આવાં રમખાણ થયાં ત્યારે કરસનદાસ માણેકે શતાબ્દીનો જલસો જુઓ ઝળહળે!’ એવું કાવ્ય આપ્યું હતું. આવો બનાવ બને ત્યારે કવચિત્ સાહિત્યકાર આખું પુસ્તક રચાય તેટલી રાહ જોતો નથી. પ્રસંગની તત્કાળ અભિવ્યક્તિ માટે અખબારનો આશરો લે છે. દૃષ્ટિએ પત્રકારત્વ સાહિત્યની સામગ્રી ધરાવતું એનું પ્રાથમિક રૂપ છે. સાહિત્ય પત્રકારત્વને અણગમાની નજરે જુએ છે, એનું એક કરણ પત્રકાર ઉપયોગમાં લેતો ભાષાના ઘેરા રંગો (Loud Colours) છે. વાચક પર તાત્કાલિક અસર ઊભી કરવા માટે તે અતિશયોક્તિનો આશ્રય લે છે. પત્રકારત્વની મોટી કમજોરી છે. The Times અને ગાર્ડિયન જેવાં અખબારો શબ્દની અભિવ્યક્તિમાં જે સમતોલપણું રાખે છે તે ધડો લેવા જેવાં છે. આમ છતાં પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. વર્તમાનપત્રોનું અનુભવવિધ અસીમ છે. ન્યૂઝ સ્ટોરી, સામાજિક બનાવો, રાજકીય પરિસ્થિતિ, દેશવિદેશમાં બનતા વિલક્ષણ બનાવો આમ વર્તમાનપત્રે પોતાનો પથારો એટલો વિશાળ બનાવ્યો છે કે એનાથી સાહિત્ય પણ અળગું રહી શક્યું નથી, ઘણી નવલકથાઓનું કથાવસ્તુ, પાત્રો એમાંનાં સમાજચિત્રો અને એનું સેટિંગ આમાંથી કેટલીક સામગ્રી વર્તમાનપત્રમાંથી સીધી લીધી હોય અથવા તેની સીધી અસર ધરાવતી લાગે છે. સાહિત્યકારની સામગ્રીનું એક મહત્ત્વનું સાધન વર્તમનાપત્ર બન્યુ . રોજિંદા જીવનનું અવલોકન, સ્વાનુભવ, ઇતિહાસ, વિજ્ઞાન અને બીજાના અનુભવો જેવાં સામગ્રી મેળવવાનાં અન્ય સાધનો સર્જક પાસે છે પણ સાહિત્યનું મૂલ્ય સામગ્રી પરથી અંકાતું નથી, જ્યારે વર્તમાનપત્રનું મૂલ્ય સામગ્રી પરથી અંકાય છે. વર્તમાનપત્રમાં વેધક રજૂઆત અને સચોટ શૈલી હોય છે. પણ તે હંમેશાં સેન્સેશનલ સામગ્રીની શોધમાં રહે છે. સાહિત્ય માટે આવી સામગ્રીની અનિવાર્યતા નથી. રોજના જીવન સાથે સંપર્ક રહે તે માટે વર્તમાનપત્રને એની જરૂરિયાત લગભગ અનિવાર્ય છે. શાશ્વત સાથે સંબંધ બાંધવા માટે સાહિત્યની જરૂર છે. વર્તમાનપત્રમાં જોવા મળતું શાશ્વત સાથે સંબંધ બાંધી આપનારું સાહિત્ય અપવાદરૂપ છે.

સાહિત્ય વર્તમાનપત્રથી જલકમલવત્ કદી રહી શકવાનું નથી. બીજી બાજુ સાહિત્ય વિના વર્તમાનપત્રો ખોડંગાતાં ખોડંગાતાં પણ ચાલશે, પરંતુ એમનો અવગમનનો કૉમ્યુનિકેશનનો ધર્મ બજાવવામાં પૂરાં સફળ નહીં થાય. આથી આજનાં વર્તમાનપત્રોએ માત્ર સમાચાર આપીને બેસી રહેવાને બદલે પોતાની વસ્તુસામગ્રીને વધુ સાહિત્યિક ફોરમ આપવા પ્રયાસ કર્યો છે. આમાં સાહિત્યસ્વરૂપોને ચુસ્ત વળગી રહેવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે અખબારોએ કેટલાક મૌલિક ઉમેરા કર્યા છે. માટે આપણાં અખબારોમાં આવતાં આજની વાત જેવા સંવાદના કૉલમનું દૃષ્ટાંત જોઈએ. અહીં નાટકના સાહિત્યસ્વરૂપમાં પ્રયોજાતા સંવાદને અખબારે પોતાની આગવી રીતે ઉપયોગમાં લઈ લીધો છે. કટાક્ષલેખોમાં સમર્મ હાસ્યરસ (Humour) વિશેષ હોય છે, જ્યારે અખબારોમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં નર્મયુક્ત વાક્-ચાતુરી (Wit) વિશેષ હોય છે. હાસ્યલેખોમાં મનુષ્યની વૃત્તિ પર હાસ્ય હોય છે, જ્યારે અખબારમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં તત્કાળ બનતી ઘટનાઓને વણીને વ્યક્તિ, પક્ષ કે સંસ્થા પર ઘણી વાર કટાક્ષ ફેંકાતો હોય છે. આવી રીતે સાહિત્યની ટૂંકી વાર્તાઓ અખબારી સત્યકથા કે સમાજકથાનું રૂપ ધારણ કર્યું છે. પોતાની મર્યાદામાં રહીને પણ સૌથી વિશેષ અખબારી નિબંધના કલાસ્વરૂપે આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી કરસનદાસ માણેક, નારદ અને વેણીભાઈ પુરોહિત જેવાઓએ જૂના અખ્યાન કે છપ્પાના પદ્યસ્વરૂપને જુદા હેતુ માટે વર્તમાનપત્રની સેવામાં લીધું છે. એમણે પદ્યસ્વરૂપને બદલ્યું છે એટલું નહીં, પરંતુ એમાં વર્તમાનપત્રને રેડ્યું છે.

પ્રજાની ભાષા જેટલી વિકસિત હોય, એટલું એનું સાહિત્ય વિકસિત હોય છે. એના પત્રકારત્વ માટે પણ વાત એટલી સાચી છે. ભાષાના વિકાસ માટે જેટલો સાહિત્યને સંબંધ છે તેટલો અખબારને સંબંધ છે. યુરોપના આજના સાહિત્યને વર્તમાનપત્રોએ પુષ્કળ નવીન અને આધુનિક શબ્દો આપ્યા છે. ત્યાંથી આજકાલની નવલકથાઓ અને નાટકોમાં વર્તમાનપત્રોના શબ્દપ્રયોગોનો ધરખમ ઉપયોગ થાય છે. કમનસીબે આપણે ત્યાં સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સેતુ બરાર રચાયો નથી.

*

સાહિત્ય અને પત્રકારત્વના સહિયારા ક્ષેત્રમાં આજે કટોકટી ઊભી થઈ છે. દુનિયામાં જે બની રહ્યું છે, તેને ઝીલવા માટે પ્રાદેશિક ભાષામાં અખબારો પાસે સાધનો ખૂટી ગયાં છે. એને જોઈએ તેવા શબ્દો મળતા નથી. ઉપમા, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો અને વાક્યરચનાઓ વગેરે જૂનાં થઈ ગયાં હોવાથી નવી પરિસ્થિતિનું પ્રતિબિમ્બ પાડવામાં તે મોળાં પડે છે. અંગ્રેજી પત્રકારત્વની શાબાશી આપવા જેવી પ્રવૃત્તિ છે કે, પોતાના વપરાથી શબ્દકોષની નિરંતર કાયાપલટ કર્યા કરે છે. અતિ વપરાશને કારણે ઘસાઈ ગયેલા શબ્દોને કાઢી નાખીને પ્રચલત શબ્દપ્રયોગો, લોકબોલીના શબ્દપ્રયોગો, નવીન સાહિત્યરચનાઓમાંથી સાંપડેલા નવા શબ્દો અલંકારો, તેમજ વિજ્ઞાનની અનેકવિધ શાખાઓના શબ્દપ્રયોગો પણ અખબારી ભાષામાં લેવાય છે. પત્રકારો પોતે પણ નવા શબ્દો યોજતા હોવાથી અંગ્રેજી અખબારોની ભાષા હંમેશાં તાજી, ફોરમદાર અને બળકટ લાગે છે, જ્યારે ગુજરાતી વર્તમાનપત્રોની ભાષા રીતે વિકસી શકી નથી.

 આમાં પણ નિજ્ઞાન, ટેક્-નૉલોજી, અર્થશાસ્ત્ર વગેરેએ આપણી ભાષાકીય કટોકટી ઘણી વધારી દીધી છે. માનવીએ પહેલી વાર એવરેસ્ટ શિખર પર આરોહણ કર્યું કે કમ્પૂચિયામાં હૃદયવિદારક દુષ્કાળ પડ્યો જેવા બનાવોને તો જૂનાં ભાષાકીય સાધનોથી કંઈક ન્યાય આપી શકાય, પરંતુ આજકાલની દુનિયામાં મોટો ભાગ તો વિજ્ઞાન, ટેક્-નૉલોજી, અર્થકારણ, મેડિસીન વગેરે રોકે છે. માટે આપણી પાસે શબ્દભંડોળ નથી. જેમ કે કાનૂની ભાષામાં Aims and Objects’, અર્થશાસ્ત્રમાં એક બાજુ ‘Inflation’ બીજી બાજુ Stagnation થતું હોય તો એને માટે અંગ્રેજીમાં ‘Stagflation’ શબ્દ મળે છે. એનો ગુજરાતી પર્યાય શો ? આવી રીતે વિજ્ઞાનમાં ‘Fast Breeder Reactor’ શબ્દ છે.

એવી રીતે ભારતે જાહેરાત કરી કે અણુશક્તિમાં ભારત ‘Blast’ કરશે, પરંતુ ‘Explosion’ નહીં કરે. આને ગુજરાતીમાં શું કહીશું ?

Teach-in, Black Power, Appeal, Streaking, In-put, Know-how જેવા શબ્દો વિજ્ઞાનના નથી છતાં ગુજરાતીમાં એને બંધબેસતા શબ્દો હજુ ઉપસાવી શકાયા નથી.

આવા અનેક શબ્દો અંગ્રેજીમાં સર્જાયા છે અને પ્રચારમાં આવ્યા છે. એનો સર્જનાત્મક સાહિત્યમાં પણ ઉપયો થાય છે. વળી એક વિષયની પરિભાષાનો પ્રયોગ બીજા વિષયનું નિરૂપણ કરતી વખતે કરવામાં આવે છે, જે આપણે ત્યાં થતું નથી.

આપમા સાહિત્યે વર્તમાનપત્રનો અભાવ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો સાહિત્ય પાસેથી વર્તમાનપત્રોને નવા નવા શબ્દો અને નોખી નોખી અભિવ્યક્તિ જેવાં ઓજારો નહીં મળે તો અખબારો ગમે એવા અને ગમે ત્યાંથી શબ્દો લઈને એમનું કામ આગળ ધપાવશે અને ધપાવે પણ છે. આને પરિણામે અખબારની ભાષા બેડોળ બનવા લાગી છે.

બીજી બાજુ અખારોએ પણ સાહિત્યનો વધુ ને વધુ સંપર્ક કેળવવાની જરૂર છે. સાહિત્યનો સંપર્ક અખબારનું સ્વરૂપ સફાઈદાર રાખવામાં અને ભાષાને સંમાર્જિત કરવામાં ઉપયોગી થાય છે. કોઈ સ્થળે બૉમ્બમારો થયો, તે મોટો બનાવ નથી, પરંતુ કોઈ નવું પુસ્તક લખાયું પણ બનાવ છે. કાવ્ય કે નાટકના ક્ષેત્રે કોઈ નવો પ્રયોગ થયો પણ એક મોટી ઘટના છે. વર્તમાનપત્ર આની ઉપેક્ષા કરે તો સાહિત્ય કરતાં વર્તમાનપત્રને વધુ નુકસાન થશે. વર્તમાનપત્ર સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડે છે, તો વર્તમાનપત્રને વિકસવા માટે, ભાષાને ધારદાર રાખવા માટે, એનું કૉમ્યુનિકેશન સચોટ બની રહે તેટલા માટે સાહિત્યમાંથી પ્રેરણા લેતા રહેવું જોઈએ. માણસના સાચા મિજાજને સમજવા માટે પણ સરજાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂરનો છે. આજે બંને વચ્ચે આળગાપણું હોવાથી શિષ્ટ સાહિત્યકૃતિઓની ભાષા અને અખબારી ભાષા વચ્ચે અંતર વધુ જાય છે, જે કોઈ રીતે ઇષ્ટ નથી અંતરને નિવારવાનો એક માર્ગ વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગને મહત્ત્વ મળે ને પ્રત્યેક જાગ્રત વર્તમાનપત્ર તે વિભાગને ગાજતો રાખે છે.

પરિસંવાદનો હેતુ મિત્રભાવે કટોકટી વિશેની સભાનતા જગાડવાનો છે, કારણ કે સાહિત્ય અને પત્રકારત્વને એકબીજા વિના ચાલવાનું નથી અને તેઓ પોતાનું દારિદ્રયા કોઈ પણ ત્રીજા સાધન વેડે ફેડી શકે તેમ નથી.